અગાઉ બિહારમાં SIRની કામગીરી થઈ ત્યારે અનેક પ્રશ્નો ઉદભવ્યા હતા, એટલે જ્યારે BLO તમારા ઘરે આ કામગીરી માટે આવે તો શું વિગતો આપવાની રહેશે, SIR માટેના ફોર્મમાં શું-શું વિગતો ભરવાની હશે અને જો લિસ્ટમાં નામ ન હોય અથવા કોઈ માહિતીમાં ખામીને કારણે પ્રશ્ન ઊભો થાય તો આ રજૂઆત કોને કરવી? આમ, તમારા મનમાં ઊઠતા પ્રશ્નો અને એ મૂંઝવણ દૂર કરે એવી તમામ વિગતો વાંચો આ એક્સપ્લેનરમાં.
બૂથ લેવલ ઓફિસર તમારા ઘરે આવશે ત્યારે ઘરમાં જેટલા પણ મતદાર હશે તેમનાં નામનું એક એક ફોર્મ આપશે. આ ફોર્મ આંશિક રીતે ભરેલું હશે અને બાકીની વિગતો મતદારે જાતે ભરવાની રહેશે.
આ ભાગમાં સૌથી પહેલા મતદારે તેની જન્મતારીખ દિવસ, મહિનો અને વર્ષ એ રીતે લખવાની રહેશે. ઉદાહરણ તરીકે 26 જાન્યુઆરી, 2001ની જન્મતારીખ હોય તો 26012001 લખવું.
જેની નીચે આધાર નંબર લખવાનો રહેશે, જોકે આ માહિતી વૈકલ્પિક છે. ફરજિયાત ભરવી જરૂરી નથી.
ત્રીજા ખાનામાં મોબાઇલ નંબર અને ચોથા ખાતામાં મતદારે પોતાના પિતા કે વાલીનું નામ લખવાનું રહેશે. આ બન્ને માહિતી ફરજિયાત લખવાની છે, જોકે એની તરત પછીના ખાનામાં પિતા કે વાલીનો EPIC નંબર એટલે કે ચૂંટણીકાર્ડનો નંબર ઉપલબ્ધ હોય તો લખવો, ન હોય તો ચિંતા ન કરવી.
ત્યાર પછી ચોથા ખાનામાં મતદારે માતાનું નામ લખવાનું રહેશે, પણ જો માતાનો EPIC નંબર ન હોય તો નીચેનું ખાનું છોડી દેવું.
છેલ્લાં બે ખાનાં જીવનસાથી એટલે કે પતિ કે પત્નીની વિગતો લાગુ પડતી હોય તો ભરવાની રહેશે.
આટલી વિગતો ભરાઈ ગયા પછી ફોર્મનો ત્રીજો ભાગ જરા વધુ કાળજીથી ભરવો પડે એમ છે, કારણ કે અહીં બે પ્રકારની વિગતો ભરવાની છે. આ માહિતીથી નક્કી થશે કે જે-તે મતદારનું નામ નવા લિસ્ટમાં રહેશે કે નહીં.
જો છેલ્લા SIRમાં તમારું નામ મતદારયાદીમાં હોય તો ડાબી તરફના ભાગમાં માહિતી લખવાની રહેશે. આ મુદ્દે કોઈ મૂંઝવણ રાખવી નહીં, કારણ કે BLO જ તમને જણાવી દેશે કે તમારું નામ છેલ્લા SIRમાં હતું કે નહીં.
જો તમારું નામ છેલ્લા SIRમાં હોય તો તમારું નામ અને EPIC નંબર લખવાનાં રહેશે. ત્યાર પછી જે-તે સમયે તમારા જે સંબંધીઓનાં નામ મતદારયાદીમાં હતાં (માતા, પિતા, પતિ) તેમની વિગતો લખવાની રહેશે, એટલે કે તેમનાં નામ, જે-તે વ્યક્તિ સાથે તમારો સંબંધ, જિલ્લો અને રાજ્યનું નામ અને છેલ્લે વિધાનસભા મતવિસ્તાર લખવાનું રહેશે. છેલ્લા ત્રણ ખાનામાં વિધાનસભા વિસ્તારનો નંબર, ભાગ નંબર અને ક્રમ લખવાનાં રહેશે.
આ જ રીતે જમણી બાજુનું ખાનું એવા લોકો માટે છે, જેમનું પોતાનું નામ ગયા વખતના SIRમાં ન હતું, એટલે આ ખાનાની વિગતો પણ ધ્યાનથી ભરવાની રહેશે, જેમાં તમારું નામ તથા તમારા ઘર-પરિવારની જે વ્યક્તિનું નામ છેલ્લા SIRમાં પાછલા કોલમમાં આપવામાં આવ્યું છે તેની વિગતો લખવાની છે. આ ઉપરાંત તેમની સાથેનો તમારો સંબંધ, જિલ્લો, રાજ્ય અને તેમનું નામ જે વિધાનસભા વિસ્તારમાં હોય તેનું નામ લખવું. છેલ્લાં ત્રણ ખાનાંમાં વિધાનસભા વિસ્તારનો નંબર, ભાગ નંબર અને ક્રમ લખવાનો રહેશે. જો આ બાબતે ક્યાંય પણ અટકો તો તમારા BLO તમને મદદરૂપ થશે.
આટલી વિગતો ભરાઈ ગયા પછી નીચે મતદારની સહી અથવા ડાબા હાથના અંગૂઠાનું નિશાન લગાવવાનું છે. જો કોઈ મતદાર પોતે હાજર ન હોય તો તેના બદલે ઘરનો પુખ્ત વયનો અન્ય સભ્ય સહી કરી શકશે અથવા ડાબા હાથના અંગૂઠાનું નિશાન લગાવશે તો ચાલી જશે, પરંતુ તેણે જે-તે મતદાર સાથેનો પોતાનો સંબંધ લખવાનો રહેશે. સૌથી છેલ્લે BLOએ સહી કરવાની રહેશે.
- કેન્દ્ર સરકાર રાજ્ય સરકાર અથવા PSUના કોઈપણ નિયમિત કર્મચારી/પેન્શનરને જારી કરાયેલા ઓળખકાર્ડ અથવા પેન્શન ચુકવણી ઓર્ડર
- 1 જુલાઈ, 1987 પહેલા સરકાર/સ્થાનિક સત્તા/ બેંક/ પોસ્ટ ઓફિસ/ LIC/ PSU દ્વારા જારી કરાયેલા ઓળખકાર્ડ/પ્રમાણપત્ર/દસ્તાવેજ
- સક્ષમ અધિકારી દ્વારા જારી કરાયેલા જન્મ પ્રમાણપત્ર
- પાસપોર્ટ
- માન્યતાપ્રાપ્ત બોર્ડ/યુનિવર્સિટીઓ દ્વારા જારી કરાયેલા મેટ્રિક્યુલેશન/શૈક્ષણિક પ્રમાણપત્ર
- રાજ્ય સરકારના સક્ષમ અધિકારી દ્વારા જારી કરાયેલા કાયમી રહેઠાણ પ્રમાણપત્ર
- વન અધિકાર પ્રમાણપત્ર
- OBC/SC/ST અથવા સક્ષમ અધિકારી દ્વારા જારી કરાયેલા જાતિ પ્રમાણપત્ર
- રાષ્ટ્રીય નાગરિક રજિસ્ટર
- રાજ્ય/સ્થાનિક સત્તા દ્વારા તૈયાર કરાયેલું કુટુંબ રજિસ્ટર
- સરકાર દ્વારા કોઈપણ જમીન/મકાન ફાળવણી પ્રમાણપત્ર
- આધાર માટે તારીખ 9.9.2025ના પત્ર નંબર 23/2025-ERS/VOL 2 દ્વારા જારી કરાયેલ કમિશનના નિર્દેશ લાગુ પડશે
4 નવેમ્બરથી 4 ડિસેમ્બર સુધીના સમયગાળામાં BLO દરેક મતદારના ઘરે ત્રણ-ત્રણ વખત જશે. જો કોઈ વ્યક્તિએ મતદારયાદીમાં નવી નોંધણી કરાવવાની હોય તો તેમણે ફોર્મ 6 ભરવાનું રહેશે. જો કોઈ મતદારે પોતાનું નામ એ જે-તે મતવિસ્તારમાંથી કમી કરાવવું હોય તો તેમણે ફોર્મ 7 ભરવું પડશે. વળી, જો કોઈ મતદારે સુધારો કરાવવો હોય અથવા સ્થળાંતર કર્યું હોય તો તેમણે ફોર્મ 8 ભરવાનું રહેશે.
આ પછી આગળનું કાર્ય મતદાર નોંધણી અધિકારી અને તેમના મદદનીશ કરશે. સૌ પહેલા નવા મળેલા મતદારોના ફોર્મની ચકાસણી કરશે અને એને ડ્રાફ્ટ યાદીમાં સામેલ કરશે
9 ડિસેમ્બરે ડ્રાફ્ટ મતદારયાદીનું પ્રકાશન થશે. આ ઉપરાંત જૂના મતદારો જે 2002થી 2004ના લિસ્ટ સાથે મેચ નથી ખાતા તેમને નોટિસ મોકલવામાં આવશે. પછી 9 ડિસેમ્બરથી 8 જાન્યુઆરી સુધી નવી મતદારયાદીમાં વાંધા અરજી હોય તો મોકલવાની રહેશે. 9 ડિસેમ્બરથી 31 જાન્યુઆરીની વચ્ચે આ વાંધા અરજીની ચકાસણી અને સુનાવણી પણ થશે. આ તમામ પ્રક્રિયાઓ બાદ અંતિમ મતદારયાદીનું પ્રકાશન 7 ફેબ્રુઆરી, 2026ના રોજ કરવામાં આવશે.
મતદાર નોંધણી અધિકારીઓને ખાસ બે બાબત પર ધ્યાન આપવાનું કહેવામાં આવ્યું છે. પહેલી બાબત- પાત્રતા ધરાવતો કોઈપણ નાગરિક એ નવી મતદારયાદીમાંથી રહી ન જાય અને બીજું કોઈપણ ગેરલાયક એક વ્યક્તિ ભૂલથી પણ નવી મતદારયાદીમાં સામેલ ન થાય.
ફોર્મ ભરવામાં સરળતા રહે તે માટે ફોર્મનો નમૂનો.
Good Information 👍
ReplyDelete